CVOCA જ્ઞાન ગંગા – ૨૧ – આવકવેરા ના રીટર્ન માં થયેલ મહત્વ ના ફેરફારો
આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ (AY ૨૦૨૫-૨૬) માટે વ્યક્તિગત અને હિન્દૂ અવિભાજિત કુટુંબ (HUF) કરદાતાઓના આવકવેરાના રીટર્ન ફાઈલિંગમાં CBDT એ હાલની આવશ્યકતાઓ ઉપરાંત કેટલીક નવી આવશ્યકતાઓ ઉમેરી છે. તેમાંથી ધ્યાનમાં રાખવા જેવા મુખ્ય ફેરફારોનો સારાંશ નીચે મુજબ છે:
| ક્રમાંક | વિગતો | ફેરફારોનું વર્ણન |
| ૧. | રીટર્નફાઇલ કરવાની છેલ્લી તારીખમાં વધારો | નોન-ઓડિટ કરદાતાઓ જેમ કે વ્યક્તિગત, HUF, ફર્મ, AOP અને BOI માટે AY ૨૦૨૫-૨૬ ના રીટર્નફાઇલિંગની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૫ થી વધારી ને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ કરી છે. જોકે, એ નોંધવું જોઈએ કે રીટર્નફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે પરંતુ એડવાન્સ ટેક્સ અને સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સની ઓછી ચુકવણી પર જ્યાં સુધી કરની પૂર્ણ ચૂકવણી કરવામાં ન આવે, ત્યાં સુધી વ્યાજ વસૂલવામાં આવશે. |
| ૨. | આધાર નંબર ફરજિયાત | હવે રીટર્નમાં આધાર નંબર (જે વ્યક્તિઓને આધાર નંબર લેવો ફરજિયાત છે તેમના માટે) દર્શાવવો ફરજિયાત છે. |
| ૩. | વ્યક્તિગત સંપત્તિ અને ચૂકવવાપાત્ર રકમ ની વિગતો આપવાના માટે કુલ આવકની મર્યાદામાં ફેરફાર | વ્યક્તિગત સંપત્તિ અને ચૂકવવાપાત્ર રકમ ની વિગતો આપવા માટેની આવકની અગાઉની મર્યાદા રૂ. 50 લાખ થી બદલીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે. |
| ૪. | લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) ના કર દરમાં ફેરફાર | લિસ્ટેડ સિક્યોરિટીઝ (ઇક્વિટી પ્રકૃતિ)ના કિસ્સામાં ૨૩ જુલાઈ ૨૦૨૪ પહેલા કમાયેલા LTCG પર ૧૦% ના દરે કરપાત્ર છે અને ૨૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ અથવા તે પછી કમાયેલા LTCG પર ૧૨.૫0% ના દરે કરપાત્ર છે. ઉપરોક્ત આવરી લેવામાં ન આવેલી અન્ય સંપત્તિના કિસ્સામાં ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલા કમાયેલા LTCG ઇન્ડેક્સેશન લાભ સાથે ૨૦% દરે કરપાત્ર છે અને ૨૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ અથવા તે પછી કમાયેલા LTCG ઇન્ડેક્સેશન લાભ વિના ૧૨.૫0% ના દરે કરપાત્ર છે. જમીન અથવા મકાન ના કિસ્સામાં(ફકત નિવાસી વ્યક્તિ અને HUF માટે) ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલાં હસ્તગત કરાયેલી અને ૨૩ જુલાઈ, ૨૦૨૪ પછી ટ્રાન્સફર કરાયેલી પર LTCG ઇન્ડેક્સેશન લાભ સાથે ૨૦% ના દરે કરપાત્ર છે. ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલા મેળવેલા અને ૨૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ અથવા તે પછી મેળવેલા LTCG ની માહિતી રીટર્ન માં અલગથી આપવી પડશે. |
| ૫. | ટૂંકા ગાળાના મૂડી લાભ (STCG) ના કર દરમાં ફેરફાર | લિસ્ટેડ સિક્યોરિટીઝ (ઇક્વિટી પ્રકૃતિ)ના કિસ્સામાં ૨૩ જુલાઈ ૨૦૨૪ પહેલા કમાયેલા STCG પર ૧૫% ના દરે કરપાત્ર છે અને ૨૩ જુલાઈ ૨૦૨૪ ના રોજ અથવા તે પછી કમાયેલા STCG પર ૨૦% ના દરે કરપાત્ર છે. ૨૩ જુલાઈ, ૨૦૨૪ પહેલા મેળવેલ અને ૨૩ જુલાઈ, ૨૦૨૪ ના રોજ અથવા તે પછી મેળવેલ STCG ની માહિતી રીટર્નમાં અલગથી આપવી પડશે. |
| ૬. | શેરના બાયબેક પરની આવક | ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી શેરોના બાયબેકમાંથી મળતી આવક કરમુક્ત હતી કારણ કે કંપની દ્વારા તેના પર કર ચુકવવામાં આવતો હતો. પરંતુ ૧ ઓક્ટોબર ૨૦૨૪ થી શેરો ના બાયબેકમાંથી મળતી આવક શેરધારકોના હાથમાં ડિવિડેન્ડ આવક તરીકે કરને પાત્ર થશે. આ શેરના સંપાદનનો ખર્ચ મૂડી નુકસાન તરીકે ગણવામાં આવશે. |
| ૭. | જુની કરપ્રણાલી (Old Regime) હેઠળ દાવાઓ / કપાત માટે વધારાની બાબતો ડિસકલોસ કરવાની જરૂરિયાત | |
| A. | મકાન ભાડા ભથ્થું (House Rent Allowance – HRA) | કામનું સ્થળ, વાસ્તવિક મળેલ મકાન ભાડા ભથ્થું, વાસ્તવિક ચૂકવેલ ભાડું. |
| B. | PPF, LIC, સુકન્યા સમૃદ્ધિ ખાતા વગેરેમાં કરેલ યોગદાન – કલમ 80C હેઠળ | પોલિસી નંબર અથવા દસ્તાવેજ ઓળખ નંબર અથવા ખાતા નંબર અને પેમેન્ટ ની તારીખ. |
| C. | મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ – કલમ 80D હેઠળ | વીમા કંપનીનું નામ, પોલિસી નંબર અને પેમેન્ટ ની તારીખ. |
| D. | i. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લેવાયેલ લોન – કલમ 80E ii. આવાસ લોન પર વ્યાજ – કલમ 80EE અને કલમ 80EEA iii. ઇલેક્ટ્રિક વાહનલોન પર વ્યાજ – કલમ 80EEB | સંસ્થા નું નામ, લોન એકાઉન્ટ નંબર, મંજૂરીની તારીખ, કુલ લોનની રકમ, બાકી રહેલ રકમ અને ચૂકવેલ વ્યાજની રકમ. |
| E. | રાજકીય પક્ષને આપેલ દાન – કલમ 80GGC | ચુકવણીની રીત – રોકડમાં કે બેંક મારફતે, ચુકવણીની તારીખ, IFSC કોડ, વ્યવહાર સંદર્ભ નંબર અથવા ચેક નંબર. |
AY ૨૦૨૫-૨૬ માટે નવી રીટર્ન ફાઇલિંગમાં, જૂની કર પ્રણાલીમાં કરવામાં આવેલા દાવાઓ માટે અમુક નવી બાબતો લાવવામાં આવી છે, જેથી અગાઉથી માહિતી મેળવી શકાય અને ખોટા કે અનૈતિક દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે નહીં તેની તપાસ કરી શકાય. રીટર્ન ફાઇલ કરવામાં વિલંબ / અચોક્કસતા ટાળવા માટે દરેક દાવા સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો ફરજિયાત માહિતી ભરવામાં ન આવે તો, રીટર્ન અપલોડ નહી કરી શકાય. વધુમાં, સચોટ માહિતી ભરવાની સલાહ આપવામાં આવે છે જેનાથીરિટર્નની અને રિફંડ જારી કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં મદદ કરશે.
****
આ પ્રકાશન દ્વારા જાગૃતિ લાવવાનો હેતુ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા CA અથવા નાણાંકીય સલાહકાર ની સલાહ લેશો.TEAM CVOCA